બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાના આરોપસર ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ કથિત ગુનાઓ સાથે સંબંધિત છે જ્યારે દેશમાં મોટા પાયે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હતા. શેખ હસીના ભારતમાં શરણ લઇ રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર, આ આરોપોમાં શેખ હસીના પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર હોવાનો આરોપ છે. બાંગ્લાદેશની કોર્ટે આ આરોપોના આધારે શેખ હસીનાની ધરપકડનો આદેશ આપ્યો છે. હાલ શેખ હસીના ભારતમાં શરણ લઇ રહ્યાં છે અને આ બાબત બન્ને દેશ વચ્ચેના રાજકીય અને રાજદ્વારી સંબંધોને અસર કરી શકે છે.
બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે પત્રકારોને જણાવ્યું હતું કે, "કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ધરપકડ અને 18 નવેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે."
ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે સવારે 11.30 વાગ્યા પછી ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા દિવસે ફરિયાદી ટીમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માંગણી કરી હતી. અવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.
શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ
મોહમ્મદ તાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળ્યા નથી.ભારતમાં તેમની હાજરીથી બાંગ્લાદેશ નારાજ છે. આ કારણોસર શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો છે.